વોશિંગ્ટનઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ફરી એકવાર ચેતવણી ઉચ્ચારી છે કે વિશ્વમાં જો કોરોનાનો બીજો તબક્કો શરૂ થશે તો લાખો લોકોનાં મૃત્યુ થઈ શકે છે. ૩૦મી જૂનના અહેવાલો પ્રમાણે વિશ્વમાં ૧૦૪૯૬૮૧૬ કોરોના પોઝિટિવ નોંધાયા છે. રિકવરી થયેલાની સંખ્યા ૫૭૨૩૮૬૬ નોંધાઈ છે અને મૃતકાંક ૫૧૦૬૧૨ છે. કોરોના સંદર્ભે WHOનાં આસિસ્ટન્ટ ડિરેકટર જનરલ રનિરી ગુએરાએ સ્પેનિશ ફ્લૂનો સંદર્ભ ટાંક્યો હતો.
તેમણે કહ્યું કે તે વખતે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં તાપમાન ઘટતાં અને વાતાવરણ ઠંડું થતાં કેસમાં અનેકગણો વધારો થયો હતો. ૧૦૦ વર્ષ પહેલાં આ મહામારીમાં કરોડોનાં મોત થયાં હતાં. હાલ કોરોના મહામારીનાં લક્ષણો પણ આવા જ છે જેમાં ગરમીમાં કેસ ઘટયા પછી ચોમાસા અને શિયાળામાં ફરી વધારો થયો હતો. હાલ વિશ્વમાં ચીન, અમેરિકા, બ્રાઝિલ, રશિયા સહિત કેટલાક દેશોમાં કોરોનાનું સંક્રમણ ફરી વધ્યું છે.
પોલેન્ડ-ફ્રાન્સમાં ચૂંટણીઓ
અમેરિકામાં કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા સર્વાધિક છે. જોકે મિશિગનમાં ૬૯ હજાર કોરોનાના કેસ ભૂલીને લોકોએ બેફિકર થઇને બોટ પાર્ટી કરી, સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરાં ઉડ્યાં હતાં. ૩૦મીના અહેવાલો પ્રમાણે ૨૬૯૯૩૧૭ કેસ, ૧૨૯૦૭૫ મૃત્યુ યુએસમાં કોરોનાના કારણે થયાં છે અને રિકવરી કેસની સંખ્યા ૧૧૨૪૧૪૦ છે. અમેરિકામાં બીજા શબ્દોમાં કહીએ તો કોરોનામાં મરનારા દર ચાર માણસે એક માણસ અમેરિકન હતો. બીજા ક્રમે બ્રાઝિલમાં કોરોનાથી સૌથી વધુ ૫૭ હજાર જેટલાં મોત થયાં છે. સ્વિસ નાઈટ ક્લબમાં અને યુકેમાં લેસ્ટરમાં કોરોનાના કેસોના નવા ક્લસ્ટર દર્શાવે છે.
યુરોપમાં વાઈરસ હજી નવી જગ્યાઓ પર ફેલાઈ રહ્યો છે, પરંતુ અમેરિકા, લેટિન અમેરિકા અને ભારત જેટલી ઝડપથી યુરોપમાં વાઈરસનો ચેપ ફેલાઈ રહ્યો નથી. આ બધા વચ્ચે અમેરિકાએ તેની આગામી ચૂંટણી માટે પ્રચારનું કાર્ય શરૂ કરી દીધું છે. યુરોપમાં પોલેન્ડ અને અને ફ્રાન્સમાં સ્થાનિક ચૂંટણીઓ યોજાઈ હતી. ફ્રેન્ચ મતદારોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરતાં તથા માસ્ક પહેરીને સ્થાનિક સુધરાઈની ચૂંટણીઓના બીજા રાઉન્ડમાં ભાગ લીધો હતો. મતદારોએ ચેપ ન ફેલાય તે માટે મતદાતા રજિસ્ટરમાં નોંધ કરવા માટે ઘરેથી તેમની પોતાની પેન લઈને ગયા હતા. પોલેન્ડના મતદારોએ પણ માસ્ક પહેરી સેનેટાઈઝર વાપરીને મતદાન કર્યું હતું તો કોરોનાગ્રસ્ત વિસ્તારોમાં પોસ્ટલ બેલેટથી મતદાન કરાયું હતું.
હજયાત્રીઓ પર પ્રતિબંધ
કોરોના મહામારીના કારણે સાઉદી અરબમાં ચાલુ વર્ષે હજયાત્રા પર પ્રતિબંધ લાદી દેવાયો છે. સાઉદી અરબે જણાવ્યું હતું કે, કોરોનાના લીધે ચાલુ વર્ષે વિદેશથી આવનારા હજયાત્રીઓને સાઉદી અરબમાં પ્રવેશ અપાશે નહીં. સાઉદી અરબના નાગરિકો અને રહેવાસીઓ જ મર્યાદિત સંખ્યામાં સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે હજયાત્રા કરી શકશે. સાઉદી અરબની જાહેરાતનો અર્થ એ છે કે આધુનિક યુગમાં પહેલીવાર મક્કા ખાતે યોજાતી વાર્ષિક હજયાત્રામાં વિદેશના હજયાત્રીઓ ભાગ લઈ શકશે નહીં. આ ઉપરાંત ભારતના હજયાત્રીઓને અરજી ફીનાં નાણાં પણ પરત કરાશે. એવું મુખ્તાર અબ્બાસ નકવીએ જણાવ્યું છે.